સારાંશ
એક ઇ-ન્યૂઝપેપર પોસ્ટમાં એવો દાવો કરવામાં આવે છે કે ચોખાના પેસ્ટ અને કાચા દૂધનું મિશ્રણ લગાવવાથી “કોરિયન ગ્લાસ સ્કિન” મેળવી શકાય છે. પરંતુ ઉપલબ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓ અને ત્વચા નિષ્ણાતોના મંતવ્યોના આધારે આ દાવો ખોટો સાબિત થાય છે.

દાવો
એક ઇ-ન્યૂઝપેપર પોસ્ટમાં એવો કહેવામા આવ્યો છે કે ચોખા અને ગરમ અથવા કાચા દૂધનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ “કોરિયન ગ્લાસ સ્કિન” મેળવી શકે છે, એટલે કે ખૂબ સ્મૂથ, ચમકદાર અને પારદર્શક દેખાતી ત્વચા મેળવી શકાય છે.
તથ્ય જાંચ
કોરિયન ગ્લાસ સ્કિન એટલે શું?
કોરિયન “ગ્લાસ સ્કિન” એ એક એવી બ્યુટી ટર્મ છે જે ખૂબ જ સ્મૂથ, હાઈડ્રેટેડ, તેજસ્વી અને લગભગ કાચ જેવી ચમક ધરાવતી ત્વચાને વર્ણવે છે. આ કોઈ કુદરતી રીતે મળતી ત્વચા નથી, પરંતુ સતત અને વિગતવાર સ્કિનકેર રૂટીન દ્વારા બનાવવામાં આવતો એક લુક છે.

ડૉ. સચિન ગુપ્તા, કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ, અમૃતા હોસ્પિટલ, ફરીદાબાદ અનુસાર, આ પ્રકારનો લુક મેળવવા માટે લોકો ઘણા સ્ટેપ્સવાળી સ્કિનકેર રૂટીન ફોલો કરે છે. તેમાં ત્વચાની નરમાઈથી સફાઈ (ક્લેન્ઝિંગ), ડેડ સ્કિન સેલ્સ દૂર કરવા માટે એક્સફોલિએશન, ત્વચાનો pH સંતુલિત રાખવા માટે ટોનિંગ, હાઈડ્રેશન માટે સીરમ, ત્વચાને લોક કરવા માટે મોઈશ્ચરાઈઝર અને સૌથી મહત્વપૂર્ણ રીતે સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગ શામેલ છે. તેઓ કહે છે કે આ લુક એક દિવસમાં કે એક જ પ્રોડક્ટથી મળતો નથી, પરંતુ લાંબા સમય સુધી નિયમિત કાળજી રાખવાથી ધીમે ધીમે પ્રાપ્ત થાય છે.
આ ગ્લોનું મુખ્ય કારણ ત્વચાની યોગ્ય હાઈડ્રેશન અને પ્રોડક્ટ્સના લેયરિંગથી બનેલો સ્મૂથ સપાટી હોય છે, જેના કારણે પ્રકાશ ત્વચા પર સમાન રીતે પડતો હોય છે અને તે ચમકદાર દેખાય છે.
શું ભારતીય લોકો માટે ગ્લાસ સ્કિન મેળવવી શક્ય છે?
જવાબ છે નહીં, ઓછામાં ઓછું સંપૂર્ણ રીતે તો શક્ય નથી. ભારતીય ત્વચાની રચના, જેનેટિક્સ અને પર્યાવરણની પરિસ્થિતિઓ કોરિયન ત્વચાથી અલગ હોય છે.

ડૉ. અસીમ શર્મા, ડર્મેટોલોજિસ્ટ સમજાવે છે કે ભારતીય ત્વચા સામાન્ય રીતે વધુ જાડી, ઓઇલી અને પિગમેન્ટેશન માટે વધુ સંવેદનશીલ હોય છે. ભારતમાં વધારે સૂર્યપ્રકાશ અને પ્રદૂષણ પણ ત્વચા પર અસર કરે છે, જેના કારણે ટેક્સ્ચર, ડાર્ક સ્પોટ્સ અને અનિયમિત રંગ જેવી સમસ્યાઓ સામાન્ય છે.
તે ઉપરાંત, “ગ્લાસ સ્કિન” જેવો લુક માત્ર સ્કિનકેરથી જ નહીં, પરંતુ જેનેટિક્સ અને નિયંત્રિત પર્યાવરણથી પણ પ્રભાવિત થાય છે. તેથી, સોશિયલ મીડિયા પર બતાવાતા પરિણામો દરેક માટે વાસ્તવિક નથી.
ડૉ. શર્મા એ પણ ચેતવણી આપે છે કે લોકો ઘણીવાર ઈન્ટરનેટ પરના ઝડપી પરિણામ આપવાના દાવાઓમાં ફસાઈ જાય છે અને ઘરેલું ઉપાયો અજમાવે છે, જેમાં કેટલીકવાર લીંબુ, બેકિંગ સોડા અથવા ટૂથપેસ્ટ જેવા ઘટકોનો ઉપયોગ થાય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે ત્વચામાં સાચો અને લાંબા ગાળાનો સુધારો એક સંતુલિત સ્કિનકેર રૂટીન, યોગ્ય આહાર, પૂરતું પાણી પીવું, સનસ્ક્રીનનો ઉપયોગ અને સારી ઊંઘ દ્વારા જ શક્ય છે.
શું ચોખાનું પાણી ગ્લાસ સ્કિન આપી શકે છે?
જવાબ છે નહીં. ચોખાના પાણીમાં વિટામિન B, E અને કેટલાક એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે, જે ત્વચાને થોડું હાઈડ્રેશન આપે છે અને તેને નરમ બનાવે છે. તેનો ઉપયોગ કર્યા પછી ત્વચા થોડા સમય માટે થોડી તેજસ્વી લાગી શકે છે, પરંતુ તેની અસર માત્ર સપાટી સુધી મર્યાદિત રહે છે.
ડૉ. સચિન ગુપ્તા જણાવે છે કે ચોખાનું પાણી ત્વચાને થોડું હાઈડ્રેશન અને સોફ્ટનેસ આપી શકે છે, પરંતુ તે ત્વચાના અંદરના સ્તરે જઈને કોલેજનનું ઉત્પાદન વધારવા, પિગમેન્ટેશન ઘટાડવા અથવા ત્વચાનો ટોન સુધારવામાં સક્ષમ નથી.
ગ્લાસ સ્કિન જેવી સ્મૂથ અને ચમકદાર ત્વચા મેળવવા માટે હાયાલુરોનિક એસિડ, નાયાસિનામાઇડ અને પેપ્ટાઇડ્સ જેવા એક્ટિવ ઘટકો ધરાવતા પ્રોડક્ટ્સ વધુ અસરકારક હોય છે. આથી, ચોખાનું પાણી એક સહાયક ઘટક બની શકે છે, પરંતુ તે એકમાત્ર ઉકેલ નથી.
શું ચોખા અને કાચા દૂધનું મિશ્રણ ગ્લાસ સ્કિન આપે છે?
જવાબ છે નહીં. ચોખા અને કાચા દૂધનું મિશ્રણ થોડા સમય માટે ત્વચાને નરમ અને થોડી તેજસ્વી બનાવી શકે છે. ચોખામાં રહેલા સ્ટાર્ચ અને એન્ટીઑક્સિડન્ટ્સ ત્વચાને સોફ્ટ બનાવે છે, જ્યારે કાચા દૂધમાં રહેલું લેક્ટિક એસિડ એક હળવો એક્સફોલિએટર તરીકે કામ કરે છે, જે ડેડ સ્કિન સેલ્સ દૂર કરવામાં મદદરૂપ બને છે.
પરંતુ આ અસર તાત્કાલિક અને સપાટી સુધી મર્યાદિત હોય છે. આ મિશ્રણ ત્વચાના અંદરના સ્તરે જઈને કોલેજન સુધારવા, પોર્સ ઘટાડવા અથવા પિગમેન્ટેશનમાં ફેરફાર લાવવામાં સક્ષમ નથી.
તે ઉપરાંત, કાચા દૂધમાં બેક્ટેરિયા હોઈ શકે છે, જે ખાસ કરીને એક્ને પ્રોન ત્વચામાં ઇરિટેશન, ઇન્ફેક્શન અથવા બ્રેકઆઉટ્સનું કારણ બની શકે છે. વારંવાર આવા DIY ઉપાયોનો ઉપયોગ કરવાથી ત્વચાનો પ્રોટેક્ટિવ બેરિયર પણ નુકસાન પામી શકે છે, જેના કારણે ત્વચા વધુ સંવેદનશીલ બની જાય છે.
આથી, આવા ઉપાયો ટૂંકા ગાળે થોડો ગ્લો આપી શકે છે, પરંતુ લાંબા ગાળે તે ત્વચાને ફાયદા કરતા નુકસાન વધુ પહોંચાડી શકે છે.
ગ્લાસ સ્કિન માટે યોગ્ય ક્લેન્ઝિંગ, હાઈડ્રેશન, સ્કિન બેરિયર રિપેર, સનસ્ક્રીનનો ઉપયોગ અને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલા પ્રોડક્ટ્સનો ઉપયોગ વધુ મહત્વપૂર્ણ છે. એક જ ઘરેલું ઉપાયથી આ પ્રકારનો લુક મેળવવો શક્ય નથી.
નિષ્કર્ષ
ચોખા અને દૂધનો ઉપયોગ કરીને “કોરિયન ગ્લાસ સ્કિન” મેળવવાનો દાવો વૈજ્ઞાનિક રીતે સાચો નથી. આ માત્ર થોડા સમય માટે ત્વચાને નરમ અને તેજસ્વી બનાવી શકે છે, પરંતુ લાંબા ગાળે કોઈ સ્થાયી અથવા મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકતું નથી.
ત્વચાની સાચી સંભાળ માટે નિયમિત સ્કિનકેર રૂટીન, સંતુલિત આહાર, પૂરતું પાણી પીવું, સન પ્રોટેક્શન અને યોગ્ય જીવનશૈલી અત્યંત જરૂરી છે. સાચો ગ્લો કોઈ એક ઘરેલું નુસખાથી નહીં, પરંતુ સતત અને વૈજ્ઞાનિક રીતે આધારિત કાળજીથી પ્રાપ્ત થાય છે.
Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.
